Sunday, July 18, 2010 1 comments

અમાસ થી પૂનમ ભણી!!

હુ ઇચ્છાઓ ના પગથિયા ઉતરીને માતા ના ઉદર સુધી પહોચેલી એક વેલ. મને પ્રારબ્ધ કહી લો કે લાગણીઓ નો અતિરેક કહી લો. જન્મ પેહલાજ શાણપણ આવી ગયુ છે. ચહેરાના ભાવ વાંચવાની આદત પડી ગઇ છે. સાચુ કહુ તો માં ના ઉદર થી ઘરમાં બાંધેલા ઘોડીયા સુધી નો જે રસ્તો છે એમા ઘણા ખાડા અને અડચણો છે પણ સ્ત્રી ભ્રુણ છુ એટલે અભિમન્યુ ની જેમ માતા ના ઉદર માંથી જ બધુ શીખી ને જન્મ લેવો મારા માટે અનીવાર્ય છે. આજે અડધી રાત થઇ ગઇ પણ મને ઉંઘ નથી આવતી અને એમ પણ માતાના ઉદર માં શું અંધારુ અને શું અજવાળુ. કેટલાય દિવસ થી મુંજાઉ છુ અને આજે મમ્મી ને પણ મે ઉંઘવા નથી દીધી તો લાવ મારી મુંજવણ ને મમ્મીના મનમાં વિચાર તરીકે સ્ફુરુ.


અને રુચી બહેનને એક અવાજ સંભળાયો.મમ્મી...... તુ ખડ્ખડાટ હસી રહી છે. કેટ્લી ખુશ છે તુ. માં બનવાનુ સૌભગ્ય મળ્યુ છે તને. પણ તને બીચારી ને ક્યાં ખબર છે કે તારા પેટ માં ઉછરી રહેલી હુ પણ એક સ્ત્રી છું. અગર તુ એ જાણતી હોત તો કદાચ આટલી ખુશ ના હોત. વાર્તાની ચોપડીમાં અને તે કહેલી લોકકથા માં મે હમેંશા એક વાત કેહ્તા સાંભળ્યા છે લોકો ને કે, માતા નુ ઉદર સ્વર્ગ સમુ હોય છે. પણ કોઇ મને પુછો કે સ્વર્ગ મા કેટલી ગુંગણામણ થાય છે.


આજે એક વાત કેહવાનુ મન થઇ આવે છે. મને નવો જન્મ મળવાનો છે. નવા સબંધો- નવી જીંદગી, પણ હુ ખુશ નથી. “બેટી બચાવો” વિશે બહુ સાંભળ્યુ છે જ્યારે તુ ટી.વી જોતી હોય છે ત્યારે, પણ વાસ્ત્વિકતા ને અને મહેચ્છા ને 36 નો આક્ડો છે. હું આપણા ઘરની જ વાત કરુ તો તને મહાભારત કે રામાયણ કે વિષ્ણુ પુરાણ ની ચોપડી વાચવાનુ કહે છે ને મારા બા અને એ દરેક ચોપડીના દરેક પન્ના પર ક્યાંક સીતા ને અન્યાય થયો છે તો ક્યાંક દ્રોપદી ને, ધર્મના નામે થયેલા યુદ્ધમાં પુત્રો તો માતા ગાંધારીના જ હણાયા. હોળીકા હોય કે મંદોદ્રી- સ્ત્રી પર ડગલે ને પગલે અત્યાચાર થયો છે . પુરુષ તો ભૂતકાળ હોય કે વર્તમાન, નમાલો હોવા છત્તા એનુ જોર હમેશા સ્ત્રી પર જ બતાવતો આવ્યો છે. અને મમ્મી તુ પણ તો રામાયણ-મહાભારત-વિષ્ણુ પુરાણ એટલે જ વાંચે છે કે હુ પેટ માંજ સમજી જઉ કે બહાર આવીને મારે એજ બધુ જોવાનુ છે જે મે સાંભળ્યુ છે.


હોસ્પિટલના ખાટલાથી લાકડા સુધીના સ્ત્રીના સમગ્ર જીવનમાં, કરુણાની દેવી કહીને કે સહનશક્તિ નુ પ્રતિક કહીને તેના પર સદંતર અત્યાચાર થતા રહ્યા છે. અને એમા પાછો ધર્મ આડો આવે. સમાજે બનાવેલા કહેવાતા નિયમો એ સ્ત્રીની જીદગીને કાળા અને ધોળા રંગ થી રંગી નાખી છે. બુર્ખો ઓઢી ને દુનિયા ના રંગ અનુભવતી ગાંધારીઓ તમને રસ્તા પર ઠેર- ઠેર જોવ મળશે અને વિધવા બનેલી અને સહનુભુતી ઇચ્છ્તી એ જનની; અપમાન અને માનહાની ના કાળા ડામ સફેદ્ સાડી પાછળ છુપાવી ફરતી એ દેવી મુર્તીને, સમાજ ન ક્યારેય પુરુષ સમો બનાવી શક્યો છે ન બનાવશે.


મમ્મી તું અને પપ્પા થોડા દિવસ પહેલા નામ શું રાખશો એની ચર્ચા કર્તા હતા અને તને યાદ છે ને કે તે જ્યારે એવુ પછ્યુ કે છોકરી હશે તો શું નામ રાખીશુ ત્યારે પપ્પા કેવા અકળાઇ ગયા હતા. જન્મ પહેલા જ મને વારસામાં અવગણના મળવા માંડી છે. જોયુ ને વધુ પડતી ઇચ્છા મનુષ્ય ને પ્રારબ્ધવાદી બનાવી નાખે છે. અને એટલે જ સ્ત્રી તરીકે તુ અને હું એક નશ્વર દેહ રૂપે જ જન્મ લઇયે છીએ બાકી આપણી ઇચ્છાઓ, આકાંક્ષાઓ ની કસુવાવડ તો અવગણના, અત્યાચાર અને અણગમા રૂપી દાયણો પેહલા જ કરી નાખે છે.
મમ્મી આજે મને જવાબ જોઇએ છે. કહે મને કે એક માતાના પેટે અવતરેલી સમગ્ર દુનિયા જ્યારે સમજણ ની નીસરણી પર પાપા-પગલી કરવા લાગે છે ત્યારે જે માંના દુધે તેને આ લાયક બનાવી છે તે માં ને જ તે કેમ અવગણે છે?


અને રુચી ની આખો ખુલી ગઇ. એ આખ ઉઘડી હતી કે ખુલી હતી એતો રુચી ને જ ખબર. આંખ માથી નીકળતા આંસુઓ – કપાળ પરથી સરકતા પરસેવા ને હાથતાળી આપતા ઓશીકા પર કુદી ને જીવન ટુંકાવતા હતા. રુચી બહેને પાણી નો એક ઘૂંટડો પીધો અને વિચારે ચઢી ગયા. વર્તમાન ની ધૂળ ને ખંખેરતી રુચી તેના ભુતકાળમાં ગરકાવ થઇ ગઇ. તેની દિકરી એ કહેલી એક એક વાતને પોતાના જ ભુતકાળ ના અરીસાની છબી સમી દિસતી જોઇને પળવાર માટે તે અવાક બની ગઇ. પણ દિકરીને પેટ માંજ નમાલી બનાવીને સ્ત્રી વર્ગને રડવાનુ એક વધુ કારણ આપવુ તેને પાલવે તેમ નહોતુ. એટ્લે તેણે નક્ક્રી કરી લીધુ કે જે છે એને તો હુ બદલી નહી શકુ પણ મારી દિકરી નુ મનોબળ મજબુત તો હુ જરુર કરી શકુ અને તેના ગર્ભમાં ઉછરતી ઇચ્છા ને જવાબ આપવા પાછી આંખો મિચી દીધી.


અને હવે રુચી એ તેની દિકરીને એક માં ને છાજે તેવો જવાબ આપ્યો.
જો બેટા. સ્ત્રી કોઇ પણ સમય માં જન્મી હોય પછી તે રામ ના સમય મા હોય કે ક્રિષ્નના, સ્ત્રી ભક્ષકો થી તેનુ રક્ષણ કરવા હમેશા કોઇ ને કોઇ આવ્યુ છે. મહાભારત મા ક્રુષ્ણ ભગવાને ચીર પુરયા, અને સીખંડી ને માન આપવા ભિષ્મ પિતામહ એ બાણસૈયા સ્વીકારી. રામાયણ માં લંકા ની કોઇ વાટિકા માં આશું વહાવતી સીતા ને ખોળો પાથરી ને જીવન શિખ્વનારી ત્રિજટા નામની રાક્ષસી પણ તો માં જ હતી. ભગવાન શ્રીરામ એ શબરીનાં એઠા બોર નહોતા ખાધા, એમણે શબરી નો પ્રેમ ચાખેલો અને આપણે પ્રેમ આપવા માટે જ બન્યા છીએ.


દારૂ પી ને આવેલો પતિ પત્ની સાથે મારપીટ કરે તો પણ બેભાન થયેલા એના નિર્દય પતિને પડતો જોઇને આંસુ એક સ્ત્રી જ પાડી શકે. કુદરતનો નિયમ છે કે જેટલુ સુખ તેટલુ દુ:ખ અને જેટલા પાપ તેટલા પુણ્ય. જેમ સમુદ્ર મંથન માંથી નીકળેલા વિષને ભોળાનાથ પી ગયા હતા, તેમ પાપ અને પુણ્યના મંથન માંથી નીકળેલા અનિષ્ઠ ને જીરવા માટે જ તો આપણે જન્મ લઇએ છીએ. અને ભગવાન શ્રી ક્રિષ્ન ના મુખે થી નિકળેલા જ્ઞાન ને પણ ગીતા તરીકે ઓળખાય છે તે પણ એક સ્ત્રીનુ નામ છે. ભગવાન શંકરની જટા માંથી નીકળતી ગંગા પણ એક સ્ત્રીનુ નામ છે. હજાર પાપ કરીને નર્કમા ગયેલા કોઇ નમાલાના અસ્થી વિસર્જન માટે પણ ત્રિવેણી પુજાય છે જે પણ એક સ્ત્રીનુ નામ છે. મર્યા પછી પણ મોક્ષ નુ અંતિમ ચરણ ચિંતા છે જે પણ એક સ્ત્રીનુ નામ છે. તો જીવન આપવાથી મોક્ષ આપવા સુધી ના સમગ્ર કાળચક્રમાં અત્ર- તત્ર સર્વત્ર સ્ત્રી જ છે.


તો આ દુનિયામાં ઉદભવેલા અનિષ્ઠને ગળવા માટે આપણે રચાયા છીયે તો એમા ગર્વ કરવાની જગ્યાએ તુ આમ રડ નઇ. એટલે બેટા તુ ડર નહી તારી પાસે તારા પપ્પા ની અવગણના સાથે તારી માં નો અનુભવ છે. જ્યાં સીતાઓ જન્મી છે ત્યા લક્ષ્મીબાઇ જેવી વિરાંગનાઓ પણ જન્મી છે.જ્યાં મીરાબાઇ જેવી ભક્ત જન્મી છે ત્યાં કિરણ બેદી જેવી સ્ત્રી પણ જન્મી છે. તો હવે તુ નક્કી કર કે રડી રડી ને મરવુ છે કે માન થી અને કદાચ ભગવાન ના કરે ને તારે આંસુ વહાવડાવા પણ પડે તો એવી જગ્યાએ વહાવજે કે માનવતા ના કાગળ પર પડેલા પાપ અને અત્યાચાર ના ડાઘ તારા આસુંઓ થી ધોવાઇ જાય.


અને રુચી નુ પેટ શાંત પડ્યુ. રુચી ક્યારે સુઇ ગઇ તેને પણ નથી ખબર. પણ હા એ ઊંઘે તેની આંખો ખોલી નાખી. અને બરાબર વીસ દિવસે તેના ઘરે દિકરી અવતરી અને તેનુ નામ રાખ્યુ "ઇચ્છા".

 
;