Sunday, February 7, 2010

મુક્તિ-બંધન!!

"જીવન કેરી કિતાબ માં કોરો રહ્યો છું,
પૂર્ણ થઇ આ દુનિયા ને હું ક્યાંક અધુરો ક્યાંક પૂરો રહ્યો છું"

જીવન શું છે? આ પ્રશ્ન પર પ્રકાશ ફેંકનારા, વિચારનારા, પૂછનારા, ચર્ચા કરનારા કહેવાતા અથવા તો સાચા ધર્મગુરુઓ જે કઈ પણ કેહતા હોય. જીવન દરેક વ્યક્તિનું પોતાનું એક આગવું અલગ પ્રશ્નાર્થ ચિન્હ છે. જેનો જવાબ યાતો જેતે મનુષ્ય પોતેજ આપી શકે યાતો સૃષ્ટિ ના સર્જનકર્તા વિધાતા પોતે.

જન્મ થી મૃત્યુ વચ્ચે મળેલા તમામ પર્વ, ક્ષણ, શ્વાસ, ઉચ્છવાસ અથવાતો મળેલા તમામ ધબકારા જીવંત સૃષ્ટિ ને એકજ મૂળ સમજાવે છે એ છે જીવન નો ધ્યેય, સૃષ્ટિ ઉત્પન્ન થવા પાછળ નું મૂળ. કોઈ પણ જીવ દુનિયા માં એક ચોક્કસ મકસદ સાથે જન્મે છે. પાપ અને પુણ્ય તો જીવન ના બે કિનારા છે. જે પાપ ના કિનારે થી નાવ હંકારે છે તે પુણ્ય સુધી પોહ્ચવા મથે છે અને જે પુણ્ય ના કિનારે થી નીકળે છે તે પાપ તરફ વહેતો જાય છે અને તટસ્થ રહેવા મથનારા તમામ મધદરિયે ડૂબી જાય છે.

જીવન વિધાતા એ લખેલું એક નાટક છે જેમાં તમામ નો કોઈ નિશ્ચિત અને અતિ મહત્વ નો ભાગ છે. તમામ જીવન ભાર પોત પોતાના એ ભાગ ને જીવવા સમજવા કાંતો સમજાવવા મથે છે. અને અંતે હસતા યા તો રોતા એ મંચ પરથી વિદાય લે છે.

જેમ શાળા ના કોઈ વર્ગખંડ માં બેઠેલો વિદ્યાર્થી સામે પડેલા પુસ્તક ની અનુક્રમણિકા માં જોતો વિચારતો હોય કે કયું પ્રકરણ પેહલા વાંચું ને કયું પછી, કયું સહેલું હશે ને કયું અઘરું; તેમ આપનું જીવન પણ એક પુસ્તક છે જેની અનુક્રમણિકા માં પ્રથમ પ્રકરણ જન્મ છે અને અંતિમ મૃત્યુ અને તેમની વચ્ચે ના તમામ પ્રકરણ ના ક્રમ દરેક ના પુસ્તક માં જુદા જુદા છે. ક્યાંક સુખ નો સરવાળો મોખરે છે તો ક્યાંક દુખની બાદબાકી. પરંતુ તમામ ને દરેક પ્રકરણ ભણવા- સમજવા જ પડે છે.

જીવન એક મંથન છે સત્ય અને અસત્ય વચ્ચે રહેલા ભેદનું. એક તરફ થી ભૌતિક સમાજની ઇચ્છાઓ જોર કરે છે અને બીજી તરફ થી કાલ્પનિક દુનિયા ની મહેચ્છાઓ. અને વચ્ચે વાસ્તવિકતાઓ ના મોજા હિલોળા લેતા રહે છે. જીવન એક નદી છે જે જન્મ ની ગંગોત્રી માંથી નીકળી ને દુનિયા ના તડકા છાયા જોતી, મૃત્યુ ના અનંત દરિયા ને જ જઈ મળે છે. અને તુરંત જ આત્મ ની બાષ્પ નવું વાદળ, નવું શરીર શોધી ને જેમ એક વિદ્યાર્થી દર વર્ષે નવા વર્ગ માં જાય તેમ જવું જીવન જીવવા માટે એક નવું બીબું શોધી કાઢે છે અને ફરી એક નવા નાટક માટે નવા રંગમંચ પર અદાકારી બતાવતો જીવન જીવે છે.

આ કાળ ચક્ર માં છુપાયેલું સત્વ જેને મળી જાય છે તે સદાય ને માટે ઈતિહાસ ના પુસ્તકો યા મંદિર ની પ્રતિમાઓ અથવા તો રસ્તા પર સ્થપાયેલી મૂર્તિઓ માં રહીને અમર થઇ જાય છે.

1 comment:

Unknown said...

oh ho... great... :D

 
;